ગરમીમાંં તન-મનમાં ઠંડકની સાથે સુગંધ પ્રસરાવતું ઘાસ ‘ખસ’
આયુર્બલંયશો વર્ચ: પ્રજા પશૂન્ વસૂનિ ચ
બહ્મ પ્રજ્ઞાં ચ મેઘાં ચ ત્વં નો દેહિ વનસ્પતે
(‘હે વનસ્પતિ, આપ અમને આયુ, બળ, તેજસ્વિતા, પ્રજા તથા પશુધન આપો, બ્રહ્મને સંભાળનાર તત્ત્વને જાણી-સમજી શકીએ તેવી તેજસ્વી બુદ્ધિ આપો.’)
વનસ્પતિ જગતની પોતાની શક્તિઓ તથા સત્તા છે. સેંકડો પ્રાચીન ગ્રંથોમાં આ શક્તિઓની માહિતી મેળવીને તેમનો ઉચિત પ્રયોગ કરી લાભ મેળવવામાં આવે છે. ઉપરોક્ત શ્ર્લોક પ્રાત: કાળે દાતણ કરતી વખતે બોલવામાં આવે છે.
મિત્રો, આ છે ભારતીય સંસ્કૃતિ, જ્યાં વનસ્પતિની શક્તિનો ઉપયોગ માનવજાતના સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. આપણા દેશમાં તો ઈશ્ર્વરને પણ વિવિધ વનસ્પતિ કે ઘાસ અપર્ણ કરવાનો રિવાજ છે, જેમ કે દુંદાળા દેવ ગણપતિને દુર્વા ચઢાવવાનો મહિમા છે, તો ભગવાન શિવજીને બીલીપત્ર. મા લક્ષ્મીને કમળ, તો ભગવાન કૃષ્ણને તુલસી અતિપ્રિય છે. ભારતની ભૂમિ પર ઊગતા ખાસ પ્રકારના ‘ખસ’ના ઘાસની વાત આજે આપણે કરીશું.
ગરમીની શરૂઆત થાય તેની સાથે ઘરના પ્રત્યેક સભ્યની ભોજન પ્રત્યેની રુચિ ઓછી થતી હોય છે. ગરમીના દિવસોમાં વારંવાર શરીરને ઠંડક મળે તેવું પીણું પીવાની ઈચ્છા પ્રત્યેકને થતી હોય છે. આવા સંજોગોમાં મોટા ભાગે શહેરોમાં એરેટેડ પીણાંની બોલબાલા વધી જતી હોય છે. લાંબે ગાળે સોડાથી ભરપૂર આ પીણાં સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બને છે. નાની વયમાં જ આરોગ્ય સંબંધિત અનેક પ્રશ્નો દેખાવા લાગે છે.
કુટુંબીજનોના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવાનું કોરોના કાળે શીખવી દીધું છે. પાછલાં બે વર્ષના ગાળામાં મોટા ભાગનાં ઘરમાં તૈયાર એરેટેડ પીણાંને જાકારો આપવામાં આવ્યો છે. ઘરમાં બનાવેલું તાજું લીંબુનું શરબત હોય કે પછી તાજી છાસની લહેજત લોકો માણવા લાગ્યા હતા. કોરોનાનો કહેર તો ઘટવા લાગ્યો છે, તેથી પાછલાં બે વર્ષથી આપણા આરોગ્યને અનુકૂળ પારંપરિક ભોજન પદ્ધતિને અપનાવી હતી તેને કારણે 80 ટકા લોકોની તંદુરસ્તી મજબૂત બનવા લાગી છે.
ભારતીય પ્રાચીન પાક કલાનું શાસ્ત્ર એટલું વૈભવી છે કે તેમાં જેટલા ઊંડા ઊતરતા જાઓ તેટલી વધુ ને વધુ આશ્ર્ચર્યકારક માહિતી તમને જાણવા મળે. ઠંડકની સાથે સુગંધ પ્રસરાતું ઘાસ છે ‘ખસ’. ભારતમાં પ્રાચીન કાળથી ખસનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગરમીના સમયમાં તેનો ઉપયોગ વિવિધ રીતે કરીને તન-મનને એક અજોડ સુગંધની સાથે ઠંડક આપી શકો છો.
ખસને તમિલ અને અંગ્રેજીમાં ‘વેટિવર’ કહેવામાં આવે છે. તેનું વૈજ્ઞાનિક નામ વેટિવર ઝિઝાનિઓઈડીસ (Vetiveria zizanioides)કહે છે અને તે પોએસી કુળની વનસ્પતિ છે.
ખસનું ઉત્પાદન ભારતમાં દક્ષિણ ભારતનાં વિવિધ શહેરોમાં, કેરળ, તમિળનાડુ, ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં કરવામાં આવે છે. ભારતનાં ઉત્તરીય તથા પશ્ચિમી રાજ્યોમાં તેને ખસ તરીકે ઓળખવામાં આવે છે, તો સૌરાષ્ટ્રમાં તેને વાળો, સુગંધી વાળો કે ખસનો વાળો કહેવામાં આવે છે. સંસ્કૃતમાં ઉશીર કહે છે. તેમના મૂળ ખાસ ઉપયોગી છે. ભારતમાં ખસનું અત્તર ઘણા જૂના સમયથી જાણીતું છે. આ અત્તર ઘણા ઊંચા પ્રકારનું ગણાય છે.
હાલમાં તો ભારતમાં ખસની ખેતી કરીને ખેડૂતો કરોડપતિ બની રહ્યા છે. વળી તેમના પાકની વિદેશમાં નિકાસ પણ મોટા પ્રમાણમાં થઈ રહી છે. ખસના પાકની ખાસ વાત એ છે કે તેના પાકને પશુ-પંખી-કીડા નુકસાન કરતાં નથી. ખસના પાકની સાથે અન્ય નાના પાક કે શાકભાજીનું વાવેતર કરીને વધુ આવક પણ મેળવી શકાય છે. કોઈ પણ પ્રકારની માટીમાં ખસની ખેતી સરળતાથી કરી શકાય છે. ઓછી મહેનત તથા થોડી દેખભાળ કરવાથી ખસનો ભરપૂર પાક મેળવી શકાય છે. માર્કેટમાં તેની સારી કિંમત પણ મળે છે. ખસના પાકની કાપણી નવેમ્બરથી ફેબ્રુઆરીમાં કરવામાં આવે છે.
ખસના છોડ લગભગ બે મીટર ઊંચા હોય છે. તેના પાન 1 - 2 ફૂટ લાંબા અને 3 ઈંચ પહોળા જોવા મળે છે. ખસનો છોડ એક વખત લગાવ્યા બાદ પાંચ વર્ષ સુધી પાછો લગાવવો પડતો નથી. ખસનો એક છોડ તેના મૂળની આસપાસના 1 મીટર વ્યાસ સુધી ફેલાય છે. એક હેક્ટરમાં વાવેલા ખસના છોડથી 4 થી 6 ક્વિટંલ મૂળિયાં પ્રાપ્ત થાય છે.
તેમના મૂળમાંથી ખાસ પ્રકારના પડદા બનાવવામાં આવે છે, જેને ખસની ટટ્ટી કહેવામાં આવે છે. પહેલાં લોકો ગરમીથી બચવા ખસની ટટ્ટીનો ઉપયોગ દરવાજા તથા બારીમાં કરતા હતા. ખસની ટટ્ટીની ઉપર પાણી છાંટીને તેને પલાળતા. ગરમીમાં તેનો ઉપયોગ કરવાથી ઘરમાં ઠંડકની સાથે એક મીઠી સુગંધ પણ પ્રસરતી જોવા મળતી હતી. ભારતમાં ઉનાળામાં તેનો ખૂબ ઉપયોગ થાય છે. તેનાં મૂળને વાંસની ખાપટો સાથે ગૂંથી લઈ સૂવા માટે ચપટી સાદડીઓ બનાવવામાં આવે છે; જે ઠંડક આપે છે. કૂલરમાં પણ ખસની ટટ્ટીનો ઉપયોગ આજે પણ ગરમ પ્રદેશોમાં ભરપૂર કરવામાં આવે છે. એરકન્ડિશનની આવશ્યકતા રહેતી નથી.
એક કિલો ખસના ઘાસમાંથી 300 ગ્રામ તેલ મળે છે. વળી એક કિલો સુગંધિત તેલની કિંમત 30 હજારથી 60 હજાર સુધીની જોવા મળે છે.
ખસનો ઉપયોગ લીલો તથા સૂકો બંને રીતે કરી શકાય છે. ખસની સુકવણી કરીને તેનો ઉપયોગ શક્ય છે. શરબત, આઇસક્રીમ, ખસનું તેલ, ખસનું અત્તર, ખસનો પાઉડર, સાબુ જેવી વિવિધ વસ્તુઓ ખસમાંથી બનાવી શકાય છે. ગરમીમાં તેનો ઉપયોગ કરવાથી શરીરને ઠંડકનો અનુભવ થાય છે. ખસ વ્યક્તિને શારીરિક તથા માનસિક શાંતિ મળવાની સાથે નકારાત્મકતા દૂર કરવામાં પણ ઉપયોગી બને છે. ખસની સુગંધમાત્રથી જ વ્યક્તિનું મન શાંત બને છે. ઊંઘ ન આવવાની સમસ્યા હોય કે વારંવાર ઊંઘ ઊડી જતી હોય તેમણે ખસનો ઉપયોગ ગરમીના દિવસોમાં વધારી દેવો જોઈએ.
© તંદુરસ્તી માટે ખસના લાભદાયક ફાયદા
• એસિડિટીની સમસ્યામાં ગુણકારી
એસિડિટીની સમસ્યા ઉનાળામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગરમીમાં વધુ પડતું તીખું, મરી-મસાલાવાળું ભોજન ખાવાથી એસિડિટીની સમસ્યા અચૂક સર્જાતી જોવા મળે છે. આવા સંજોગોમાં ખસના મૂળને પાણીમાં રાખ્યા બાદ તે જ પાણીનો પીવા માટે ઉપયોગ કરવો.
• બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ
ખસના મૂળમાં તથા પાનમાં આયર્નની માત્રા ભરપૂર પ્રમાણમાં સમાયેલી જોવા મળે છે. વિટામિન બી-6, ઝિંક, મેંગેનીઝ જેવા અનેક પ્રકારના મિનરલ્સ તેમાં સમાયેલાં છે. ખસનું શરબત પીવાથી શરીરમાં બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખી શકાય છે.
• ગરમીમાં લૂથી બચી શકાય છે
ગરમીના દિવસોમાં અનેક વખત ઘરની બહાર નીકળતાંની સાથે જ લૂ લાગવાની શક્યતા રહે છે. ગરમીમાં પડતા બળબળતા તડકાને કારણે આંખો પણ લાલ રહેવા લાગે છે. ખસના શરબતનો ઉપયોગ ગરમીમાં કરવાથી આંખોને ઠંડક મળે છે તથા શરીરને લૂથી બચાવી શકાય છે.
• તરસને શાંત કરવામાં કારગર
ગરમીમાં અનેક વખત આપણે બધાએ અનુભવ્યું હોય છે કે વારંવાર પાણીની તરસ લાગે છે. પાણી પીતા રહેવા છતાં તરસ શાંત થતી નથી. આવા સંજોગોમાં ખસનું શરબત પાણીમાં ભેળવીને પીવાથી તરસ શાંત થઈ શરીરને રાહત મળે છે. લૂ લાગવાની શક્યતા ઘટી જાય છે.
• રોગપ્રતિકારક શક્તિ વધારે છે
ખસમાં ભરપૂર માત્રામાં ઍન્ટિ ઑક્સિડન્ટની માત્રા સમાયેલી છે. ખસનો ઉપયોગ કરવાથી શરીરમાં રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. ફ્રી રેડિકલ ડેમેજથી બચી શકાય છે.
• ત્વચા ચમકદાર બનાવવામાં ઉપયોગી
ખસનો ઉપયોગ હૃદયરોગ, ત્વચા સંબંધિત રોગ, તાવ, ધાતુદોષ, માથામાં દુખાવો, લોહીના વિકારને કારણે ત્વચા પર ચકામાં થવાની સમસ્યા, પેશાબમાં બળતરા, પિત્ત રોગ તથા સાંધામાં કળતરમાં પણ લાભકારક સાબિત થાય છે. ખસના તેલની માલિશ કરવાથી કમર દર્દ કે મચકોડમાં રાહત મેળવી શકાય છે. ખસના તેલની માલિશ અરોમા થેરપીમાં પણ કારગર સાબિત થઈ છે.
© ખસનો ઉપયોગ કઈ રીતે કરવો?
ખસના મૂળમાં માટીનું પ્રમાણ વધુ હોય છે, તેથી તેનો ઉપયોગ કરતાં પહેલાં તેને પાણીથી બરાબર સાફ કરી લેવું જરૂરી છે. ખસનું સાદું પાણી પીવાની ઈચ્છા હોય તો ખસના મુળને એક મુઠ્ઠી જેટલું લેવું. એક નાની પોટલીમાં તેને બાંધીને તે પોટલી પાણીની મટકીમાં મૂકી દેવી. એક કલાક બાદ તે પાણીનો પીવા માટે ઉપયોગ કરવાથી ખસમાં સમાયેલી ઠંડક પહોંચાડતી એક સુમધુર મીઠી સુગંધ પાણી પીતી વખતે માણવા મળશે. એક સપ્તાહ સુધી પોટલીનો ઉપયોગ કરી શકો છો.




No comments:
Post a Comment