*ક્ષતિ ના જુઓ, ગુણ ગ્રહણ કરો.*
એક વૃદ્ધ સ્ત્રી પાસે બે મોટા ઘડા હતા. કાવડિયા જેમ કાવડ ઉપાડે છે તે રીતે એ બંને ઘડાને લાકડીના બંને છેડે બાંધીને પોતાના ખભે ઉચકી એ પાણી ભરતી. આમાંથી એક ઘડામાં તિરાડ હતી, જ્યારે બીજો ઘડો કોઈપણ ક્ષતિ વગરનો હતો અને પૂરેપૂરું પાણી એ ઘર સુધી પહોંચાડતો. નદી, જેમાંથી આ વૃદ્ધા પાણી લેતી હતી તે અને તેનું ઘર બે વચ્ચે સારૂં એવું અંતર હતું. આ કારણથી પેલો તિરાડવાળો ઘડો ઘરે પહોંચતા પહોંચતા અડધો થઈ જતો. પૂરેપૂરા બે વરસ આ ચાલ્યા કર્યું જેને પરિણામે વૃદ્ધાના ઘરે રોજ માત્ર દોઢ ઘડો પાણી પહોંચતુ.
આને કારણે તિરાડ વગરનો સાજો ઘડો મનમાં ને મનમાં અભિમાન કરતો પોતાની સિદ્ધિઓનું.
પણ પેલો બિચારો તિરાડવાળો ઘડો પોતાની ઉણપ ઉપર શરમ અનુભવતો કારણ કે એ માત્ર અડધો ઘડો જ પાણી ઘરે પહોંચાડતો અને એ રીતે પેલા બીજા ઘડાની સરખામણીમાં અડધું કામ જ કરી શકતો.
આમ કરતાં બે વરસ વીત્યાં. પેલો તિરાડવાળો ઘડો આ સમયગાળામાં પોતાની અપૂર્ણતા ઉપર શરમ અનુભવતો કે તે માત્ર અડધું કામ જ કરી શકતો. આનાથી કંટાળીને એક દિવસ એણે પેલી સ્ત્રીને નદી કિનારે એ જ્યારે પાણી ભરતી હતી, કહ્યું, “હું મારી જાત પર શરમિંદો છું કારણ કે મારામાં પડેલી તિરાડને કારણે તેમાંથી પાણીનું લીકેજ થાય છે અને એ રીતે હું માત્ર અડધું પાણી જ ઘરે પહોંચાડી શકું છું.”
પેલા ક્ષતિયુક્ત ઘડાની ગ્લાનિપૂર્ણ વાત સાંભળીને પેલી મહિલાએ મોં પર સ્મિત સાથે કહ્યું, “તારી બાજુના રસ્તે ફૂલો ઉગી નીકળ્યાં છે તે તારા ધ્યાનમાં આવ્યું? પણ બીજા ઘડાની બાજુ એવું જ વેરાન છે, કશું નથી ઉગ્યું. એનું કારણ એ છે કે મેં હંમેશા તારી ક્ષતિનો ખ્યાલ નજર સમક્ષ રાખ્યો છે. મેં તારી બાજુએ ફૂલછોડનાં બીજ વાવ્યાં છે અને રોજ આપણે નદીથી ઘરે પાછા જઈએ છીએ ત્યારે તારું લીક થતું પાણી આપોઆપ ફુલછોડોને પાણી પૂરું પાડે છે અને તેમને ખીલેલાં રાખે છે. છેલ્લા બે વરસથી આ સુંદર ફૂલો ચૂંટીને હું ટેબલ સજાવું છું. જો તું જેવો છે તેવો ન હોત તો ઘરને આટલું સુશોભિત કરવા માટે આટલાં સુંદર ફૂલ મને ન મળ્યાં હોત.”
આપણા બધામાં ક્યાંકને ક્યાંક કોઈ ક્ષતિ હોય છે. પણ આ તિરાડો અને ઉણપથી નિરાશ ન થતા આપણે આપણી જિંદગી રસપ્રદ અને કંઈક આનંદિત થવાય એવું આપે તેમ કરવાનું છે.
તમે દરેક વ્યક્તિ જેવો છે તેવો સ્વીકારો અને એનામાં જે સારું છે તે ગ્રહણ કરો.
અને એટલે જ મારી માફક જ કોઈ ને કોઈ અવગુણ ધરાવતા મિત્રોને આ નાનકડી બોધકથા થકી સુંદર મજાનો દિવસ ઈચ્છું અને એ ક્ષતિને કારણે ખીલી ઊઠેલા ફૂલોનો આનંદ માણવા ભલામણ કરું છું!
ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે...
💐💐


No comments:
Post a Comment