Popular Posts

વાર્તા ખેડૂત અને ચાર દીકરા

 મુદા : એક ખેડૂત – ચાર દીકરા – ચારે દીકરા આળસુ,
ખેડૂતને ચિંતા – ખેડૂતની માંદગી – ચારે દીકરાઓને બોલાવવા
- ‘ખેતરમાં રૂપિયા ભરેલા ચર છે' એમ કહેવું – અવસાન – દીકરાઓએ
ખેતર ખોદી કાઢવું - રૂપિયા ન મળવા – બી વાવવાં – પાક
થવો — શિખામણ .



ગોધમજી નામનું એક નાનું ગામ હતું. ગામમાં પેથાભાઈ રહેતા. પેથાભાઈ ખેડૂત હતા. એમના ચાર દીકરા હતા. ચારેય દીકરા આળસુ હતા. પેથાભાઈ મહેનત કરવા ખુબ સમજાવે, પરંતુ દીકરા માને જ નહીં! ખેતી કરવામાં એમને થાક લાગી જતો હતો. મારા પછી મારા દીકરાઓનું શું થશે? આ ચિંતા પેથાભાઈને પજવતી રહેતી હતી.
એમ કરતાં પેથાભાઈ ઘરડા થયા. છતાં દીકરા તો ખેતી કરવા આવે જ નહીં. બસ, બધા ખાય-પીએ અને કસરત કરી શરીર મજબુત બનાવે! એક દીવસ પેથાભાઈ માંદા પડયા. વૈદરાજે ખુબ દવાઓ આપી. દીકરાની ચિંતા પેથાભાઈનું કાળજું કોરી ખાતી હતી. એટલે એ સારા થતા જ નહોતા. એમ કરતાં એમનો આખરી સમય આવી ગયો. એમને અચાનક એક વિચાર આવ્યો અને એ મલકાવા લાગ્યા.
એમણે ચારેય દીકરાને બોલાવ્યા. પોતાની પાસે બેસાડયા અને કહે, દીકરાઓ, લાગે છે હું હવે નહીં બચું. મરતાં પહેલાં મારે એક વાત તમને કહેવી છે. તમારા માટે મેં ખુબ રૃપિયા ભેગા કર્યા છે. એ રૃપિયા ખેતરમાં દાટી દીધા છે. પણ હવે મને યાદ નથી આવતું કે એ ક્યાં દાટયા હતા. મારી ઈચ્છા છે કે મારા મરતાં પહેલાં તમે રૃપિયા ખોદી લાવો. એટલે મરતાં પહેલાં તમને ચારેયને ભાગ પાડી આપું. ચારેય દીકરા તો લાગ્યા ખેતર ખોદવા. એક દીકરો આ બાજુ ખોદે અને બીવ્જો બીજી બાજુ ખોદે. ત્રીજો ત્રીજી બાજુ ખોદે અને ચોથો દીકરો ચોથી બાજુ ખોદે. આખો દિવસ મહેનત કરે અને રાત પડતાં થાકીને સૂઈ જાય. બે-ત્રણ દિવસમાં તો આખું ખેતર ખોદાઈ ગયું. પેલા રૃપિયા ક્યાંયથી નીકળ્યા નહીં.
ચારેય બાપા પાસે આવી ને કહે, બાપા તમે ખરેખર પૈસા દાટયા હતા? અમે તો આખું ખેતર ખોદી નાંખ્યું. ક્યાંયથી કાણો પૈસો પણ ન નીકળ્યો! પેથાભાઈ કહે, કદાચ મારી ભૂલ થતી હશે. યાદ કરી જોઉં બીજે ક્યાંક તો નથી દાટયા. પણ એક કામ કરો. ખેતર તો તમે ખોદી કાઢયું છે, એમાં ઘઉં વાવી દો. એટલે થોડા વખતમાં ઘઉંના છોડ ઊગે. ઘઉં પાકે તો એ વેચી દેજો. એમાંથીય ખૂબ પૈસા મળશે. દીકરાઓએ ઘઉં વાવી દીધા. પછી બાપા પાસે આવ્યા. હવે, બાપા યાદ આવ્યું? પૈસા ક્યાં દાટયા છે? પેથાભાઈ કહે, યાદ નથી આવતું. પણ યાદ કરૃં છું. થોડા દિવસ શાંતિથી વિચારીશ તો યાદ આવી જશે. એમ કરતાં ચાર મહિના વીતી ગયા. ખેતરમાં ઘઉંનો પાક તૈયાર થઈ ગયો. દીકરાઓએ આખું ખેતર ખોદી કાઢયું હતું એટલે ઘઉં ભરપુર પાક્યા. પેથાભાઈએ દીકરાઓને બોલાવ્યા. કહે, પૈસા ક્યાં દાટયા એ હજી યાદ કરૃં છું. પણ આપણા ખેતરમાં ઘઉં તૈયાર થઈ ગયા છે. કાપી લો તો વેચીને ખાસ્સા પૈસા મળે.
દીકરાઓએ ઘઉં કાપી લીધા. ઝૂડીને ઉપણીને ઘઉં તૈયાર કર્યા. પેથાભાઈએ કહ્યું કે થોડા આપણે ખાવા માટે રાખો. બાકીના વેચી દો. દીકરાઓએ ઘઉં બજારમાં વેચ્યા. એના ખુબ પૈસા મળ્યા. પૈસા લઈ દીકરા ઘેર આવ્યા તો પેથાભાઈ કહે. દીકરાઓ, હવે તમને ખબર પડી ગઈ ને કે ખેતરમાં કેટલા બધા પૈસા દાટયા છે. દર વખતે મહેનત કરી ખોદશો અને વાવશો તો પૈસા મળતા જ રહેશે. દીકરાઓ કહે, પણ બાપા પેલા ખજાનાનં તમે કહેતા હતા. એનું શું? પેથાભાઈ કહે, દીકરાઓ હું આ જ ખજાનાની વાત કરતો હતો.તમને ખેતી કરવાનું કહેતો હતો તો તમે માનતા નહોતા. ખજાનાની લાલચે ખેતર ખોદ્યું તો જુઓ કેવો ખજાનો મળ્યો! દીકરા કહે, હવે અમે સમજી ગયા બાપા. હવે અમે દર વખતે ખેતર ખોદીને ખેતી કરીને ખજાનો કાઢતા જઈશું.




No comments:

Post a Comment